રાજાએ રામને આલિંગન આપ્યું, સિંહાસન ઉપર બાજુમાં બેસાડ્યા અને કહ્યું, "હું વૃદ્ધ થયો છું; એક વ્યક્તિ તરીકે અને રાજા તરીકે મેં જીવનને માણ્યું છે. મારા પૂર્વજો પ્રત્યેની મારી બધી જવાબદારી મેં પરિપૂર્ણ કરી છે. મારે હવે કશું કરવાનું રહેતું નથી. "આપણા પૂર્વજોના આ સિંહાસન ઉપર તમને આરોહિત કરવાની હવે મારી એકમાત્ર ઇચ્છા રહી છે. ગઈ રાત્રિએ મને દુઃસ્વપ્નો આવેલાં. ભવિષ્યવેત્તાઓએ મને જાણ કરી છે કે મૃત્યુ સહિતની મોટી વિપત્તિઓ નજીકના ભવિષ્યમાં મારે ભોગવવી પડે. એટલે જ રાજ્યાભિષેક કાલે જ કરવો એવી મારી ઇચ્છા છે. ખગોળશાસ્ત્રીઓના મત અનુસાર આવતીકાલનો દિવસ ઘણો શુકનિયાળ છે. મારો અંતરાત્મા કહે છે, 'આ તરત જ કરી નાખ.' તમારે અને સીતાએ આવતીકાલની વિધિ માટે આજે રાત્રે ઉપવાસ કરવો પડશે. દર્ભના ઘાસની પથારી ઉપર શયન કરજો અને વફાદાર તેમજ સજાગ પરિજનો તમારી સુરક્ષા કરે, તે વ્યવસ્થા કરજો. મને એમ લાગે છે કે અત્યારનો સમય, જ્યારે ભરત બહાર ગામ છે, તે તમારા રાજ્યાભિષેક માટે ઘણો ઉપયુક્ત સમય છે. અલબત્ત એવું નથી કે ભરતનો આત્મા, વિચાર અને વ્યવહારમાં ન્યાયયુક્ત છે અને એને તમારા માટે પૂરો પૂજ્યભાવ છે, એ હું ન જાણતો હોઉં, પણ માણસોના મન અસ્થિર હોય છે અને અણધાર્યાં પરિબળોને વશ થતાં હોય છે." અને આમ રાજાએ રાજ્યાભિષેક બીજે જ દિવસે કરવામાં આવે તેવો નિર્ણય કર્યો અને વસિષ્ઠને તેની જાણ કરી. રાજ્યાભિષેકનો દિવસ તરત જ નક્કી કરવામાં દુઃસ્વપ્નોએ પણ ભાગ ભજવ્યો હતો. પિતા પાસેથી રજા લઈને રામ કૌશલ્યાના મહેલમાં તેમને આ સમાચાર આપવા અને આશીર્વાદ મેળવવા ગયા. જોકે રાણીને આ વાતની ખબર હતી. સુમિત્રા, સીતા અને લક્ષ્મણ પણ ત્યાં કૌશલ્યા સાથે જ હતાં. કૌશલ્યાજીએ સમારંભ માટે જરૂરી સફેદ વસ્ત્રો પહેર્યાં હતાં અને પુત્ર માટે પ્રાર્થનાવિધિ કરી રહ્યાં હતાં. રામે માતાજીને રાજાના છેલ્લા આદેશની જાણ કરી. કૌશલ્યાજીએ કહ્યું, "એ મેં સાંભળ્યું છે. ભગવાન તમને લાંબું આયુષ્ય આપે! સારા શાસક બનજો. તમારા દુશ્મનોને પરાજિત કરજો અને તમારી પ્રજાનું અને પરિવારનું રક્ષણ કરજો. તમે તમારા પિતાને પ્રસન્ન કર્યા છે અને મને સુખી કરી છે." ત્યારબાદ માતાજી અને સુમિત્રાજીની વિદાય લઈને રામ પોતાના આવાસે પહોંચ્યા. રાજાના આદેશ મુજબ વસિષ્ઠ મુનિ રામના મહેલે આવ્યા. પ્રવેશદ્વાર ઉપર જ રામે ગુરુનું સ્વાગત કર્યું. વસિષ્ઠ ઋષિએ રામને તેમના રાજ્યાભિષેક પૂર્વેના ઉપવાસ માટેના નિયત મંત્રોની દીક્ષા આપી. વસિષ્ઠ ઋષિ વળતાં દશરથ રાજા પાસે જતા હતા, ત્યારે તેમણે રાજમાર્ગ ઉપર લોકોના સમૂહને આવતીકાલના મહાન ઉત્સવની આનંદપૂર્વક વાતો કરતા જોયા. મકાનોને ફૂલો અને ધજા-પતાકાથી શણગારવાનું ચાલુ થઈ ગયું હતું. રાજાના મહેલે જવા માટે વસિષ્ઠને ટોળાંઓ વચ્ચેથી મારગ કરવાનું મુશ્કેલ પડતું હતું. રાજા એ જાણીને રાજી થયા કે ઉપવાસની શરૂઆત યોગ્ય રીતે થઈ હતી અને રાજ્યાભિષેકની તૈયારી બધી રીતે થઈ રહી હતી. પણ તેમના હૃદયના ઊંડાણમાં એક ભય તો હતો કે તેમની અને તેમની આ ઇચ્છા વચ્ચે કોઈ વિઘ્ન આવી શકે. આખું નગર ઉત્સાહપૂર્વક આનંદ અને કિલ્લોલથી છવાયેલ હતું. નગરની દરેક શેરી, દરેક ઘર, બધા પુરુષો, સ્ત્રીઓ અને બાળકો આ રાજ્યાભિષેકને સૌથી મહાન અને શુભ પ્રસંગ તરીકે માનતાં હતાં, અને પોતાના જીવન દરમિયાન આ પ્રસંગ ઊજવાતો હતો તેના ઉત્સાહની ધન્યતા અનુભવતાં હતાં. રામ અને સીતાએ તેમના આવાસે લાંબો સમય યજ્ઞની વેદીમાં ઘીની આહુતિ આપતાં ભગવાન નારાયણનું ધ્યાન ધર્યું, શેષ ઘીનું પૂજ્યભાવે આચમન કર્યું અને ભૂમિ ઉપર દર્ભનું ઘાસ પાથરીને શયન કર્યું. વહેલી સવારે સંગીતના સૂરોએ તેમને નિદ્રામાંથી જગાડ્યાં. સમારંભ માટે પૂરા તૈયાર થઈને રાજમહેલ જવાના અપેક્ષિત શુભ સંદેશની તેઓ પ્રતીક્ષા કરતાં હતાં. પણ જે સંદેશો આવ્યો એ સાવ જુદા પ્રકારનો હતો. રાજ્યપરિવારની સામાન્ય પ્રણાલિકા પ્રમાણે રાણી કૈકેયીને એક મહિલા સાથીદાર અને વિશ્વાસુ દાસી હતી. તે ખૂંધી હતી. તેનું નામ મંથરા હતું. રાણીની દૂરની સગી હોવાને લીધે રાણી સાથે તેને ખૂબ આત્મીયતા હતી. રામાયણનાં બહુ જાણીતાં પાત્રોમાં મંથરાનું પાત્ર પણ મહત્ત્વનું છે. આપણા દેશનો દરેક પુરુષ, સ્ત્રી કે બાળક તેને ઓળખે છે અને ધિક્કારે છે, કારણ કે બધા તેને રામના વનવાસ, દશરથના મૃત્યુ અને રઘુકુળ પરિવાર ઉપર આવી પડેલી બધી વિપત્તિઓના કારણરૂપ માને છે. જે દિવસે દશરથ રાજાએ રાજસભા બોલાવી અને રામને યુવરાજ તરીકે અભિષિક્ત કરવાનો નિર્ણય કર્યો, તે સમયે મંથરા રાણીવાસની અગાસી ઉપર પહોંચીને નીચે નગરની હલચલ જોઈ રહી હતી. તેણે નોંધ્યું કે શેરીઓમાં પાણીનો છંટકાવ હતો અને આકર્ષક સુશોભન નજરે પડતું હતું. મકાનો ઉપર ધજાઓ ફરકતી હતી. નવાં કપડાં, ઝળકતાં આભૂષણો, ચંદનના લેપ અને ફૂલોના શણગારવાળા લોકોનાં ટોળાં ઉત્સાહ અને આનંદપૂર્વક વાતોમાં ગૂંથાયેલાં હતાં. મંદિરોમાં શુભ વાજિંત્રોનો નાદ સંભળાતો હતો. મંથરાને આ બધું શા માટે છે, તે ન સમજાયું, કારણ કે રાજાએ શો નિર્ણય લીધો તેની તેને જાણ નહોતી. તેણે અનુમાન કર્યું કે કોઈ સમારંભની ઉજવણી થઈ રહી લાગે છે. મંથરા એક દાસી તરફ વળી અને તેને પૂછ્યું, "તેં આજે આ રેશમી પોશાક કેમ પહેર્યો છે? નગરમાં બધું શું ચાલે છે? રાણી કૌશલ્યા બ્રાહ્મણોને કોઈ ભેટ આપતાં હોય એવું લાગે છે. આમ તો એ કરકસરિયાં છે અને કારણ વગર તે આવું કાંઈ કરે નહીં. બધી બાજુ ઉજવણીના અવાજો અનુભવાય છે. તને ખબર છે?" નાની ઉંમરની દાસીએ આનંદપૂર્વક નાચતાં નાચતાં પૂછ્યું, "કેમ? તમને ખબર નથી કે આપણા રામચંદ્રજીનો આવતીકાલે સવારે યુવરાજ તરીકે રાજ્યાભિષેક થવાનો છે?" આ તો મોટા ખબર છે! મંથરા ઓચિંતા ક્રોધથી વ્યાકુળ બની ગઈ. ઝડપથી દાદરાનાં પગથિયાં ઠેકતી ઠેકતી નીચે ઊતરી અને કૈકેયીના ખંડમાં ગઈ. કૈકેયી પોતાના પલંગ ઉપર આરામ કરતી હતી. "અરે ઊઠ, ઊઠ, મુરખી! દુર્ભાગ્યનું ધસમસતું પૂર તને ડુબાડવા અને ગળી જવા ધસમસી રહ્યું છે! તારા વિનાશ માટે તારી સાથે દગો થયો છે. તારો સૂર્ય અસ્ત થવામાં છે. મૂરખી છોકરી, આ ઊંઘવાનો સમય છે?" કૈકેયીને બીક લાગી કે મંથરા કોઈ મોટી આફતમાં ઘેરાયેલી લાગે છે. તેણે મંથરાને હળવાશથી પૂછ્યું, "તને શું તકલીફ છે? તું શા માટે આટલી વિક્ષુબ્ધ છે?"
અને ચાલાક મંથરાએ ચાલુ કર્યું, "અરે બેટા, વિનાશ તો તારા અને મારા બંને ઉપર મંડરાય છે. દશરથે રામને યુવરાજ — આ દેશના સાચા રાજા — બનાવવાનું નક્કી કર્યું છે. મારે માટે આનાથી મોટી બીજી કઈ વિપત્તિ હોય શકે? જ્યારે તારા ઉપર સંકટ આવે, ત્યારે હું કઈ રીતે અલિપ્ત રહી શકું? હું દોડીને તારી પાસે આવી છું. તું રાજવી પરિવારમાં જન્મી અને ઊછરી. તારાં લગ્ન રાજવી પરિવારમાં થયાં. પણ હાય! એ બધું પૂરું થાય છે. તું એટલી બધી સીધીસાદી છો, કે તને છેતરવામાં આવી છે. તારા પતિએ મીઠાં વચનોથી તારી સાથે દગો કર્યો છે. ગમે તે માણસ જોઈ શકે કે આનો ભેદ બહુ ઊંડો છે. તેમણે ભરતને મામાને ઘેર દૂર મોકલીને તેને અળગો કરી દીધો છે, અને તેની ગેરહાજરીનો લાભ લઈને તાત્કાલિક રામનો રાજ્યાભિષેક થવાનો છે. કાલ સુધીમાં બધું પૂરું થઈ જશે. અને તું કઈ પણ કર્યા વગર તારા પલંગમાં પડી પડી આ બધું જોતી રહીશ, અને તારી સાથે તારા ઉપર આશ્રિત બધાં લોકો નાશ પામશે."
મંથરા આમ બોલતી રહી. કૈકેયીના કાને આ શબ્દો સાંભળ્યા, પણ તેના આવેશ પ્રત્યે જરૂરી ધ્યાન આપ્યું નહીં. રાજવી પરિવારના બીજા બધા સભ્યોની જેમ તેનું મન પણ અત્યારે રામના રાજ્યાભિષેકના હોંશે ભર્યા આનંદની અપેક્ષાથી અભિભૂત થઈ ગયું હતું, કારણ કે બીજા બધાની જેમ તે પણ રામને પ્રેમ કરતી હતી અને સન્માન આપતી હતી.
તે બોલી, "મંથરા, તું બહુ સારા સમાચાર લાવી છો. મારા પુત્ર રામનો કાલે રાજ્યાભિષેક છે? આનાથી મોટો આનંદ મારા માટે બીજો શો હોઈ શકે? લે, આ તને આપ્યો! હજી તું મારી પાસે બીજું ગમે તે માંગી લે." આમ કહેતાં કૈકેયીએ પોતાના ગળાનો હાર કાઢ્યો અને મંથરાને આપ્યો. કોઈ પણ મહત્ત્વના શુભ સમાચાર લાવનારને તત્ક્ષણે કીમતી ભેટ આપવાનો આ રાજવી રિવાજ હતો.
કૈકેયી વિચારવા લાગી કે બીજી કોઈ નિષ્ઠાવાન અંગત દાસીની જેમ, મંથરા પણ તેની રાણીના હિત માટે વધુ પડતી ઈર્ષા સેવતી હતી. આ બાઈને રામની ભલમનસાઈ અને રાજકારણમાં શું સમજણ હોય? એટલે કૈકેયીએ માન્યું કે એ પોતે જ્યારે આ બનાવથી બહુ ખુશ હતી એમ મંથરા જાણશે, ત્યારે તેનો અવિચારી ભય દૂર થઈ જશે. કૈકેયીનું મન હજી સુધી અપ્રદૂષિત હતું. તેનામાં પોતાના ઉમદા વંશપરિવારના સંસ્કારો હતા. હીન વિચારોથી તે સહેલાઈથી ભ્રષ્ટ થાય તેમ નહોતું.
જોકે આનાથી માંથરાની વેદના સળગી ઊઠી. તેણે હાર ફેંકી દીધો અને બોલી, "અરે મૂર્ખી છોકરી, તારું નખોદ જાય! બધું ગુમાવવાને આરે છે અને તને મુરખની જેમ આનંદમાં હસવું આવે છે? તારી ઉપર આવી પડનાર દુર્ભાગ્ય પ્રત્યે તું કેમ આમ અંધ બની ગઈ છો? તારી આ ભૂલ માટે મારે તો હસવું કે રડવું? તારી શોક્ય — રામની મા — એ તેને રાજા બનાવવાનું કાવતરું ઘડ્યું છે, અને તું આનંદથી કૂદકા મારે છે! અરે, અણસમજુ બાઈ, રામ જ્યારે રાજ કરશે ત્યારે ભરતની શી દશા હશે? રામ ભયથી ભરતને હંમેશા પોતાના ભયાનક હરીફ તરીકે નહીં ગણે? રામ માનવસ્વભાવને બરોબર જાણે છે. તે જાણે છે કે જીવતો ભરત તેની સત્તા માટે કાયમી પડકારરૂપ છે અને એટલે તેને ખતમ કરવો જોઈએ.
"નાગના ભયથી લોકો એને મારી જ નાખે છે ને? હવેથી ભરતના જીવનમાં સુરક્ષા રહી નથી. કાલ સવારથી કૌશલ્યા સુખી થઈને મહાલતી હશે અને તું એની પાસે સારાં કપડાં પહેરેલી ગુલામ તરીકે વાંકી વળીને ઊભી હોઈશ. તારા આજ્ઞાંકિત હાથ અદબ વાળેલા હશે. તારો દીકરો પણ માત્ર પ્રજાજન અને ગુલામ થઈ જશે. તારા આ નિવાસમાં પછી કોઈ સન્માન કે આનંદ નહીં હોય."
પછી તે બોલતી અટકી. તેના દુઃખને વધુ વ્યક્ત કરવા તે અશક્તિમાન હતી. કૈકેયીએ આ બધું સાંભળ્યું. તેને નવાઈ લાગી.
"મંથરાને આટલો બધો ડર શેનો લાગે છે? શું તે રામને જાણતી નથી? શું રામ ધર્મનો માનવ અવતાર નથી?" તે બોલી, "મંથરા, રામની સત્યનિષ્ઠા, સારું વર્તન અને નમ્રતા તું નથી જાણતી? તને એનો આનંદ નથી? તે વરિષ્ઠ રાજકુમાર છે અને તેને રાજ મળે છે. તેમના પછી એક દિવસ તે ભરતને મળશે. આમાં ખોટું શું છે? અરે મારી બહેન, તને આટલું બધું દુઃખ શેનું લાગે છે? રામ પછી ભરત સો વર્ષ રાજ્ય કરશે. રડવાનું બંધ કર. રામને મારે માટે કેટલી લાગણી છે, તે તું જાણે છે. અરે, તે પોતાની માતા કરતાં મારી વધુ કાળજી રાખે છે. શું રામ પોતાની જિંદગી કરતાં તેના ભાઈઓને વધુ પ્રેમ નથી કરતા? રામ તરફથી કોઈ પણ પ્રકારની તકલીફનો ભય રાખવાની તારે કોઈ જરૂર નથી."
"હાય, હાય!" મંથરા બોલી. "તારામાં આટલી સમજણ કેમ નથી? એકવાર રામ રાજા બને પછી ભરત માટે કોઈ મોકો છે? વારસાધિકારના નિયમને તું નથી જાણતી? રામના રાજ્યારોહણ પછી ભરત અને તેના વારસો માટે બધી રાજસત્તાનો અંત આવે છે. રામ પછી રામનો પુત્ર રાજા થશે, અને તેના પછી તેનો પૌત્ર રાજા થશે અને આમ વારસો ચાલ્યા કરશે. જ્યેષ્ઠ પુત્રનો વારસ પણ તેનો જ્યેષ્ઠ પુત્ર જ થાશે. તેનો નાનો ભાઈ ગમે તેટલો સારો કે શૂરવીર હોય તો પણ તેને કોઈ તક મળતી નથી. બેટા, તને આટલી સાદી સમજણ પણ નથી. હવે મારે આનું શું કરવું?" મંથરાએ ચાલુ રાખ્યું, "એકવાર રામને ગાદી મળે, એટલે તે ભરતને એકલો નહીં મૂકે. ભરતના જીવન ઉપર જોખમ રહેવાનું. તું જો ભરતનું ભલું ઇચ્છતી હો, તો તેને દૂર દેશપાર ચાલ્યા જવાની સલાહ આપ; કારણ કે તે જો અહીં આવશે, તો તેણે મૃત્યુનો સામનો કરવો પડશે. સૌથી વધુ સલામતી તો તે મોસાળમાંથી પણ નીકળી જાય અને અજ્ઞાત વાસમાં કોઈ દૂરની જગ્યાએ પોતાને છુપાવે એમાં જ રહેશે.
"વળી કૌશલ્યા પણ કંઈ તારી સગલી નથી. એને તારા માટે ઈર્ષા છે, કારણ કે તું રાજાની માનીતી રાણી છો અને તે કૌશલ્યાનું ઘણીવાર મન દુઃખ પણ કર્યું છે. એટલે હવે તે તારા ઉપર બદલો લેવાનો દોર છૂટો મૂકશે. તું જાણે છે કે શોક્ય માટેનો ગુસ્સો, તેને જ્યારે તક મળે ત્યારે ભભૂકી ઊઠે છે. તું લખી રાખ કે, જો રામ રાજા થાય તો ભરત મૃતઃપ્રાય થઈ જશે. એટલે ગંભીરતાથી વિચાર. મજબૂત બનીજા. ચોક્કસ નિર્ણય ઉપર આવ અને તેને વળગી રહે. ગમે તેમ પણ ભરતનો જ રાજ્યાભિષેક થવો જોઈએ. અને રામને રાજ્યમાંથી દેશવટો આપવો જોઈએ." રાણીનું હૃદય હવે ભયભીત થયું. મંથરા જીતી. કૈકેયીનો ચહેરો ચડી ગયો; શ્વાસોચ્છ્વાસ ગરમ થઈ ગયા. નિઃસહાય હાલતમાં તે સલામતી અને સહાય માટે મંથરાને વળગી પડી.
પોતાની બે રાણીઓને કોઈ સંતાન ન થતાં, રાજવી પ્રણાલિકા અનુસાર દશરથે કૈકેયી સાથે લગ્ન કરેલાં. તે સમયે કૈકેયીના પિતાએ દશરથ પાસેથી વચન લીધેલું કે, તેની કૂખે જન્મેલ બાળક દશરથ રાજા પછી રાજા થવો જોઈએ. નિઃસંતાન રાજા માટે આવું વચન આપવું જરા પણ નવાઈ ભરેલું કે ખોટું નહોતું. એ સમયે તેમની ત્યારની રાણીઓ લાંબા સમયથી સંતાનવિહોણી હતી. રાજાએ ત્રીજી રાણી પણ વંશવારસ માટે જ લાવવાની હતી. આમ કરવા છતાં તેની પુત્રપ્રાપ્તિ માટેની ઇચ્છા તો પૂરી ન જ થઈ. આને પણ ઘણાં વર્ષો વીતી ગયાં હતાં.
પુત્રપ્રાપ્તિ માટેના મહાન અશ્વમેધ યજ્ઞ પછી ત્રણેય રાણીઓને પુત્રપ્રાપ્તિ થઈ. પટરાણી કૌશલ્યાના પુત્ર રામ ચારેય પુત્રોમાં સૌથી મોટા હતા. તે બહુ સદ્ગુણી હતા, રાજપદની જવાબદારી માટે સજ્જ હતા, અને મંત્રીઓ, નગરજનો અને બીજા ખંડિયા રાજાઓએ પણ સ્વીકાર્યું હતું. એટલે આ રજવાડી પરંપરાનો ભંગ કરીને અને રામના હક્કનો અનાદર કરીને દશરથ રાજા ભરતનો રાજ્યાભિષેક કેવી રીતે કરી શકે?
વળી ભરત કે કૈકેયીની આ જૂનાં અને ભુલાયેલાં વચનનાં પાલન માટેની ક્યારેય પણ ઇચ્છા થઈ નહોતી. પસાર થયેલાં વચ્ચેનાં વર્ષોમાં આ મુદ્દા અંગે ક્યારેય એક શબ્દ પણ બોલાયો નહોતો. આથી વંશપરંપરાગત પ્રણાલિકા અને પ્રજાજનોની અપેક્ષા મુજબ રામને યુવરાજ તરીકે આરોહિત કરવામાં કોઈ મુશ્કેલી નહિ પડે તેમ રાજા માનતા હતા. અને કૈકેયીના મનમાં પણ શંકાનું વાદળું નહોતું. કૈકેયીના વર્તાવ ઉપરથી આ સ્પષ્ટ થતું હતું. અને ભરત એટલો ભલો અને ઉમદા પ્રકૃતિનો હતો કે તે આ અંગે કોઈ પ્રશ્ન ઉઠાવે નહીં.
અને તો પણ, દશરથે રામને કહ્યું હતું તે મુજબ, પવિત્રમાં પવિત્ર મન પણ વિકારી બની શકે છે. જ્યારે નિયતિ ખોટી સલાહ સાથે કાવતરું રચે, ત્યારે આપણાં માનીતાં ગમે તે વ્યક્તિ પ્રદૂષિત બની શકે. અને કૈકેયીનું પણ આમ જ બન્યું. સ્વર્ગના દેવોએ ખાતરી મેળવી હતી, અને ઋષિઓએ રાવણના નાશ માટે તપશ્ચર્યા કરી હતી. એટલે આપણે જેને નિયતિ કહીએ છીએ, તેણે નિશ્ચય કર્યો હતો કે કૈકેયીનું પવિત્ર હૃદય મંથરાની ખરાબ સલાહથી ચલિત થાય. તમિલ રામાયણમાં કંબન તેની વિશિષ્ટ રજૂઆતમાં આમ કહે છે.
રાજ્યાભિષેકના આયોજનમાં કોઈ પણ વિલંબ અણકલ્પ્યાં વિઘ્નો લાવી શકે તેવા ભયથી દશરથે, ભરત પાટનગરમાં પાછો આવે તેની રાહ જોયા વગર, રાજ્યાભિષેકનો આદેશ આપ્યો હતો. આ જ ભય અને ઉતાવળનો ઉપયોગ મંથરાએ કૈકેયીને ખોટો રસ્તો લેવા માટેની સલાહમાં કર્યો: "રાણી, વિચારો! આટલી ઉતાવળ શા માટે? તારો પુત્ર ગેરહાજર છે, ત્યારે તારા પતિને આ પ્રસંગ ઉતાવળથી પૂરો કરવાની શી જરૂર છે? આનો અર્થ તેને તેના હક્કમાંથી અળગો રાખવાનો નથી? આનો હેતુ એકદમ સ્પષ્ટ નથી? રાજા માત્ર તને સ્નેહ કરવાનો ડોળ કરે છે. પણ તેમાં એની કૃત્રિમ ચાલાકી રહેલી છે."
આ લાલચમાં ફસાઈને કૈકેયીએ મંથરાની સલાહ વિષે વિચાર કર્યો. તે પોતે પણ બીજી કોઈ પણ સ્ત્રી જેટલી જ નબળી હતી. તેનામાં સદ્ભાવની લાગણી, સારા સંસ્કારો અને તીક્ષ્ણ બુદ્ધિ હતાં. પણ તેનામાં દુન્યવી સમજણ ઓછી હતી. ને તેનું જકડીપણું ત્રાસજનક હતું. સહેલાઈથી છેતરાયા પછી પોતાના કર્મના વ્યાપક પરિણામોને અગાઉથી સમજી શકવાની શક્તિ તેનામાં નહોતી. આ જ કારણથી રામાયણમાં વિષાદના પ્રકરણનો આરંભ થયો.
