રામ અને સીતા અયોધ્યામાં બાર વર્ષ સુખેથી રહ્યાં. પણ હવે વિષ્ણુ ભગવાન અને તેમનાં પત્નીએ માનવસ્વરૂપે મુશ્કેલીઓ, દુઃખો અને સંઘર્ષોમાં પૃથ્વી ઉપરનું જીવન ગાળવાનું હતું.
ભગવાન પોતે જ સમજાવે છે: "હું ગમે તે અવતાર ધારણ કરું, ત્યારે મારી લીલાએ તે અવતારની આનુષંગિક અનુભવો અને લાગણીઓમાંથી પસાર થવું પડે છે."
અયોધ્યાના એ રાજકુમાર, જેણે તેના શરીર, જીવન અને અનુભવોથી માનવજાતની યાતનાઓ સહન કરી અને દેવોનો બચાવ કર્યો, એ કોણ હતા? અલબત્ત, સર્વવ્યાપી, સર્વસ્થ અને દુનિયા ઉપર અંદરથી અને બહારથી શાસન કરનાર એ પરમપુરુષ!
તમિલ કવિ કંબન અયોધ્યાકાંડની શરૂઆત મહાન આશ્ચર્ય વચ્ચે જ કરે છે કે આ રાજાઓના પણ રાજાએ એક ખૂંધી દાસી અને એક સવકી માંની નિર્દય કૂટનીતિ, જેને લીધે તેમણે રાજપાટ હીન બનીને વનો અને પછીના સાગરને પાર વનવાસ ભોગવવો પડે તેવી યાતના, પોતે ભોગવવાનું શા માટે સ્વીકાર્યું હશે.
દશરથ પોતાના ચારેય પુત્રોને પ્રેમ કરતા હતા, તો પણ રામ માટે તેમને વિશિષ્ટ લાગણી હતી. અને રામ તેમના રાજવી લક્ષણો અને ધર્માનુચરણને લીધે તેને લાયક હતા. દેવોનાં માતા અદિતિની જેમ રાણી કૌશલ્યાને પણ ગૌરવ હતું કે તેમને રામના જેવો પુત્ર હતો.
વાલ્મીકિએ તો રામના સદ્ગુણોથી ઘણાં પાનાંઓ લખ્યાં છે. આ ઋષિને રામના સદ્ગુણોના સાગરમાંથી તેનું રસપાન કરતાં તરસ છીપાતી જ નથી. રામનાં માધુર્ય અને ઉપલબ્ધિઓનું તે કેટલીકવાર સીધું જ, અને કેટલીકવાર બીજાઓની પ્રશંસા મારફત વર્ણન કરે છે. આમ તે ઘણીબધી રીતે રામને આદર્શ પુરુષ દેખાડનાર તેમના સદ્ગુણોનું વર્ણન કરે છે.
રામની મોહક મુદ્રા, મધુર સૌંદર્ય, સામર્થ્ય, નિર્ભયતા, હૃદયશુદ્ધિ, આદર્શ જીવન, કરુણા, ભાષાની મધુરતા, શાણપણ, ગાંભીર્ય અને કુશળ રાજ્યસંચાલનથી બધી પ્રજા પ્રભાવિત હતી. લોકો રામના રાજ્યારોહણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.
દશરથ આ જાણતા હતા અને પ્રજાની આ અપેક્ષાનો તેમને આનંદ હતો. એટલે, પોતાની પાકટ ઉંમરને અનુલક્ષીને તેમની ઇચ્છા રામને યુવરાજ તરીકે પ્રસ્થાપિત કરીને રાજ્યશાસન અવૈધાનિક રીતે રામને સોંપવાની ઇચ્છા હતી. તેમણે આ અંગેની જાણ તેમના મંત્રીઓને કરી અને રાજસભાનું આયોજન કર્યું. ઋષિઓ અને વિદ્વાનો, નગરના આગેવાનો અને પાડોશી રાજ્યોના રાજવીઓ આ રાજસભામાં હાજર રહ્યા. જ્યારે બધા નિમંત્રિતોએ પોતાનું આરક્ષિત સ્થાન સંભાળ્યું, ત્યારે દશરથ રાજા સંબોધન કરવા ઊભા થયા. રણભેરીના જેવો કે પાણી ભરેલાં વાદળાંનાં ગર્જન જેવો તેમનો ઊંડો પ્રભાવી અવાજ સમગ્ર ખંડમાં છવાઈ ગયો. તેમના ચહેરા ઉપર પ્રતાપી આભા ઝળકતી હતી. તેમના શબ્દો અર્થસભર હતા અને શ્રોતાઓને મુગ્ધ કરે તેવા હતા.
"મારા પૂર્વજોની જેમ, મેં આ રાજ્યને, જેમ એક મા પોતાના બાળકને સંભાળે, એ રીતે સાચવ્યું છે. પ્રજાના હિતમાં મેં સતત પરિશ્રમ કર્યો છે. હવે મારું શરીર વૃદ્ધ અને ક્ષીણ થયું છે. આથી મારી ઇચ્છા મારા સૌથી મોટા પુત્રને યુવરાજ તરીકે સ્થાપવાની અને મારી જવાબદારીઓનો ભાર તેને સોંપવાની છે. અમારી પવિત્ર કુલપરંપરાને અનુસરીને હું મારું શેષ જીવન વનમાં તપશ્ચર્યાઓમાં ગાળવા માગું છું. રામ રાજ્યપદ સંભાળવા પૂરતા સક્ષમ છે, તે સંચાલનમાં કુશળ છે, રાજનીતિમાં પણ કુશળ છે અને શૂરવીરતામાં બેજોડ છે. હું રાજ્યનાં સાર્વભૌમત્વની જવાબદારી નિશ્ચિત રીતે તેને સોંપી શકું એમ છું. હું ઇચ્છું છું કે આ સર્વમાન્ય રાજ્યસભા મને આમ કરવાની છૂટ આપશે."
આ મહાન સભામાંથી આનંદ અને વધામણીનો પ્રભાવી પ્રતિસાદ પ્રગટ થયો અને એક અવાજે નિમંત્રિતો અને રાજવીઓએ પોકાર કર્યો, "ભલે! તેમ જ કરીએ."
રાજા ફરીથી બોલ્યા, "તમે મારા પ્રસ્તાવ સાથે સહમત થાવ છો, પણ કોઈ કારણ આપતા નથી. આમ નહી ચાલે. વિચક્ષણ મહાનુભાવોએ સમજાવવું તો પડશે કે તેઓ શા માટે સહમત થાય છે." પછી કેટલાક વક્તાઓ ઊભા થયા અને રામના સદ્ગુણો અને શાસન કરવાની યોગ્યતા સમજાવી. રામની આ પ્રશંસા સાંભળીને દશરથ રાજાનું હૃદય આનંદથી ભરાઈ ગયું.
અંતે આખી સભા ઊભી થઈ અને એકી અવાજે બોલી, "આપણે હવે કોઈ વિલંબ ન કરવો જોઈએ. યુવરાજ તરીકે હવે આપણે રામનો અભિષેક કરીએ."
રાજાએ ઉત્તરમાં કહ્યું કે તેઓ રાજી થયા હતા અને બધાની ઇચ્છાનો હવે તેઓ ઝડપથી અમલ કરશે. પછી તેમણે વસિષ્ઠ, વામદેવ અને બીજા ધર્મપુરુષો અને પવિત્ર વિધિના જ્ઞાતાઓને સંબોધીને કહ્યું, "અત્યારે પવિત્ર ચૈત્રમાસ ચાલે છે. આ ઋતુમાં વનનાં વૃક્ષો ફૂલોથી હર્યાંભર્યાં છે. પૂજનીય ગુરુજનો! રામના અભિષેકની બધી તૈયારીઓ શરૂ કરો."
રાજ્યસભાને રાજાએ આપેલા આ ઝડપી આદેશથી આનંદ થયો. રાજાની સૂચના મુજબ રાજપરિવારના મંત્રી સુમંત્ર રામને તેડવા ગયા. આ બધી ગતિવિધિથી અજાણ એવા રામ આવ્યા અને પિતા સામે ઊભા રહ્યા. તેમને યુવરાજ તરીકે ઘોષિત કરવાના નિર્ણયને સાંભળીને રામ નમ્રતાપૂર્વક પ્રણામ કરીને સ્વીકાર કરતાં બોલ્યા, "આપની આજ્ઞાનો અમલ કરવા માટે હું બંધાયેલો છું, પછી ભલે તે આજ્ઞા ગમે તેવી હોય."
દશરથે આશીર્વાદ આપતાં રામને કહ્યું, "તમે પ્રજાને પ્રિય એવા રાજકુમાર છો. હું ઇચ્છું છું કે તમારો શિષ્ટાચાર અને સમજશક્તિ ધીમી ન પડે, પણ લોકકલ્યાણ કરવાની વધતી સુવિધાઓ ઉજળી બને અને તમને કાયમી ગૌરવ અપાવે." આ સાથે રામ પોતાના મહેલમાં પાછા ફર્યા.
રામ હજી મહેલમાં પહોંચવામાં હતા, ત્યાં સુમંત્ર ઝડપથી આવ્યા અને તેમને જણાવ્યું કે તેમના પિતાશ્રી તેમને મળવા માગે છે. કારણ પૂછતાં સુમંત્ર ઉત્તર આપી શક્યા નહીં; એમને એટલી જ ખબર હતી કે તેમને રાજકુમારને તરત જ પાછા બોલાવવાની સૂચના હતી.
રામ વિચારવા લાગ્યા: "પિતાશ્રીએ રાજ્યાભિષેક પ્રસંગ અંગેની સલાહ લીધી હશે અને કદાચ તેમાં કંઈક મુશ્કેલી ઊભી થઈ હશે. જોકે જે કાંઈ બનશે તે સારા માટે જ હશે." રામ સત્તા મેળવવા માટે જરા પણ આતુર નહોતા, પણ તેને માત્ર ફરજ બજાવવાના ભાગ તરીકે જ જોતા હતા. રાજા જો એમ ઇચ્છે કે રામ તે સ્વીકારે, તો તેમ કરવા તે તૈયાર હતા. પણ જો રાજા એમ ઇચ્છતા હોય કે તે આ ન સ્વીકારે, તો તેમ કરવા પણ તેઓ એટલા જ તૈયાર હતા. આ મનોભાવથી રામ તેમના પિતાજીને મળવા ગયા.
