રામાયણ· All chapters
Text size 2 of 6

This chapter can be read online at jambuch.in/library/ramayana/preface

Preface · પ્રસ્તાવના

પ્રસ્તાવના

મનીષી અને શબ્દજીવી એવા સ્વ. નલિનકાંત ઈશ્વરલાલ છાયાએ કરેલો 'રામાયણ'નો આ ભાવાનુવાદ આપની સમક્ષ મૂકતાં હું સંતોષ અને કૃતજ્ઞતાની લાગણી અનુભવું છું.

મૂળ કૃતિ સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય અને અંતિમ ગવર્નર જનરલ શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી — રાજાજી — દ્વારા લખાયેલી છે. મહર્ષિ વાલ્મીકિના આદિકાવ્યને આધાર બનાવી, કંબનની તમિળ રામાયણની છાયા ઝીલીને, રાજાજીએ સર્વસામાન્ય વાચક માટે સરળ અને પ્રવાહી અંગ્રેજીમાં આ કથા લખી; ૧૯૫૭માં ભારતીય વિદ્યા ભવન દ્વારા પ્રકાશિત થયેલું એ પુસ્તક આજે પણ અંગ્રેજીમાં રામાયણનો સૌથી વધુ વંચાતો પરિચય ગણાય છે. નલિનકાંતે જાન્યુઆરી ૨૦૨૪માં એ કૃતિનો ગુજરાતી ભાવાનુવાદ કરવાનો આરંભ કર્યો.

એ સમયે તેમની ઉંમર ચોર્યાસી વર્ષની હતી. શરીર ક્ષીણ થઈ ચૂક્યું હતું, અને કમ્પ્યૂટર, ટાઇપિંગ કે આજની કોઈ ટેક્નૉલૉજી સાથે તેમનો પરિચય નહિવત્ હતો. પણ 'શબ્દ'નું તેડું આવે ત્યારે નલિનકાંત ક્યારેય ના પાડી શકતા નહીં. આ ઉંમરે નવું કામ હાથ પર લેવાની હિંમત એ તેમના જીવન પ્રત્યેના અદમ્ય ઉત્સાહની સાક્ષી છે. દીકરી પ્રાપ્તિ અને જમાઈ વિરંચી સતત સક્રિય સહયોગ ન આપત તો આ કામ શક્ય બન્યું ન હોત: પિતા બોલે અને દીકરી ઝીલે, એ રીતે, પાનાંએ પાનાં ભરાતાં ગયાં. લગભગ અઢી વર્ષની આ સાધના ઑગસ્ટ ૨૦૨૬માં તેમના દેહાવસાન પહેલાં લગભગ પૂર્ણતાએ પહોંચી હતી; બાકી રહેલાં છેલ્લાં થોડાં પ્રકરણો મેં તેમની શૈલીને વફાદાર રહીને પૂરાં કર્યાં છે, અને એમાં ક્યાંય ક્ષતિ લાગે તો તે મારી ગણવી.

રામાયણ કોઈ એક કથા નથી; તે ભારતીય ચિત્તનો મૂળ આધાર છે. રામના ચરિત્રમાં મર્યાદા છે, ધૈર્ય છે, વચનની પ્રતિષ્ઠા છે અને પોતાના સુખનો વિચાર કર્યા વિના કર્તવ્યનું પાલન છે. આ કથાનો અનુવાદ કરવા માટે માત્ર ભાષાજ્ઞાન પૂરતું નથી; એ મૂલ્યો સાથેનો જીવંત નાતો જોઈએ. અને અહીં જ અનુવાદક અને કૃતિનો સુમેળ દેખાય છે. નલિનકાંત પોતે મર્યાદાપુરુષ હતા — વાણીમાં સંયમ, વ્યવહારમાં ઋજુતા, અને આંતરિક એવી સ્થિરતા કે જેને તોડવાની ક્ષમતા ન ઉંમરમાં હતી, ન રોગમાં. સંસ્કૃત, અંગ્રેજી અને ગુજરાતી — ત્રણેય ભાષાઓ પરની તેમની પકડ અને શાસ્ત્રોનો તેમનો અભ્યાસ આ અનુવાદનાં પાનેપાને વર્તાય છે. વાચકને અહીં રાજાજીના શબ્દોનો અનુવાદ મળશે, પણ સાથે નલિનકાંતના આધ્યાત્મિક સંસ્કાર અને પ્રજ્ઞાનો સ્પર્શ પણ મળશે.

નલિનકાંતે જીવનભર અનેક કાવ્યો, અનુવાદો અને લેખો લખ્યાં, પરંતુ તેમનાં મૌલિક સર્જનોમાંથી કશુંય આજ સુધી પ્રકાશિત થયું નથી. આ બાબતે તેમને 'ઉદાસીન' ગણી કાઢવાની ભૂલ ન કરવી. જો તેઓ શબ્દ અને લખાણ પ્રત્યે ઉદાસીન હોત, તો અનેક વિદ્યાર્થીઓના શોધપ્રબંધોના માર્ગદર્શક ન બન્યા હોત; અગણિત વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકોને અંગ્રેજીમાંથી ગુજરાતી અને ગુજરાતીમાંથી અંગ્રેજી અનુવાદોમાં તદ્દન નિઃસ્વાર્થ ભાવે મદદ ન કરી હોત; અને પોતાની કૃતિ મઠારવા કે માર્ગદર્શન લેવા આવનારાઓ માટે તેમનાં બારણાં સદા ખુલ્લાં ન રહ્યાં હોત. તેઓ ઉદાસીન હતા માત્ર પોતાની કીર્તિ પ્રત્યે.

પોતાની ક્ષમતા વિશે અત્યંત સાલસ અને નિરાભિમાની એવા નલિનકાંતે 'જાહેરમાં પ્રગટ થવાની' ખેવના ક્યારેય રાખી જ નહોતી — અને કદાચ એ જ કારણે તેઓ અનુવાદ, લેખન અને વાચનનું કામ આટલા ઉલ્લાસપૂર્વક અને તણાવમુક્ત રીતે કરી શકતા. વિધિની વક્રતા એ છે કે જેમણે જીવનભર પ્રકાશનની ઇચ્છા ન રાખી, તેમની પહેલી પ્રકાશિત કૃતિ તેમની અંતિમ કૃતિ બની.

આ પુસ્તક તેમના સ્મરણને અર્પણ છે. રામકથા વાંચતાં વાચકને જો ક્યાંક શાંતિનો, સ્થૈર્યનો અને મર્યાદાનો અનુભવ થાય, તો સમજવું કે નલિનકાંત હજી શબ્દોમાં જીવે છે.

The weekly letter

One email after each gathering, with the pieces that joined that week. No account, nothing else, and one tap to stop.

Your email is used only for this letter: never shared, never sold.

This library counts reading anonymously (chapters opened and finished) to learn what readers enjoy. No names, emails or locations are collected.